લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં નગરજનોને હાલાકી
ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ
મુખ્ય બજારમાં લોકોને આવવું-જવું મુશ્કેલ બન્યું
તંત્રમાં વારંવારની રજૂઆત છતાં કામગીરી નહીં
સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ
અમરેલી જિલ્લાના લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લાના લીલીયામાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભના ગટરના પાણી મુખ્ય બજાર અને નાવલી બજારમાં ઉભરાય રહ્યા છે. અવાર નવાર સરપંચ અને તંત્રને ગ્રામજનો અને વેપારીઓએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તો બીજી તરફ, લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છે, જ્યારે રોગચાળો પણ ફાટી નીકળવાની લોકોમાં દહેશત વર્તાય રહી છે. જોકે, લીલીયામાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વર્ષો જૂનો છે. પરંતુ તંત્ર દ્વારા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.