Connect Gujarat
ગુજરાત

અમરેલી : વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના કાર્યકરોની સાયકલ સવારી, અસહ્ય મોંઘવારીએ સામે અનોખુ વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ચલાવી બજારમાં સાયકલ.

X

સમગ્ર દેશમાં વધતી મોંઘવારી સામે અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના કાર્યકરો સાથે અમરેલી માર્કેટિંગ યાર્ડથી શહેરના વિવિધ માર્ગો પર સાયકલ ચલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો સાથે જ બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ પણ સાયકલ ચલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક તરફ દેશમાં રાંધણ ગેસના 850 રૂપિયા, તેલના 2700 રૂપિયા અને પેટ્રોલ-ડીઝલ સદી નજીક પહોંચવાની તૈયારી છે. તો બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોચ્યા છે, ત્યારે અસહ્ય મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના લોકો પર બોજ વધ્યો છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીથી આખો દેશ ત્રસ્ત બનતા ઠેરઠેર લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મોંઘવારીના મુદ્દે અમરેલી જીલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યું છે, ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસના કાર્યકરો સાથે સાયકલ લઈને અમરેલીના બજારોમાં ફર્યા હતા.

જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે સરકારની આંખ ઉઘાડવા માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો સહિત પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. સીટી પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકરોએ રામધુન બોલાવી હતી. તો સાથે જ અમરેલીના બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં તમામ કાર્યકરોએ સાયકલ ચલાવી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય વિરજી ઠુમર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

Next Story