Connect Gujarat
ગુજરાત

અમરેલી : APMCની જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા, ટેકાના ભાવે ખરીદી કરવા માંગ..!

કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે

X

કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે અમરેલી જિલ્લાના APMCની જાહેર હરાજીમાં ખેડૂતોને કપાસના માત્ર રૂ. 1200થી 1450 સુધી ભાવો મળતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિમાં મુકાયા છે.

અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, લાઠી, બાબરા, ધારી, બગસરા, ટીંબી, ખાંભા માર્કેટીંગ યાર્ડ આવેલા છે, જ્યાં કપાસ હજુ પણ યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે, પણ ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ તે હજુ મળી રહ્યા ન હોય, ત્યારે ખેડૂતો હૈયા વરાળ કાઢી રહ્યા છે. કારણ કે, ચૂંટણી સમયે 2 હજાર ઉપરના કપાસના ભાવો સામે હાલ રૂ. 1200થી લઈને 1450 સુધીના ભાવો મળતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે.અમરેલી જિલ્લાના ખેડૂતોએ ડિસેમ્બર માસનો કપાસ સાચવી સાચવીને રાખ્યો હતો કે, ચૂંટણી બાદ ભાવમાં વધારો થશે અને પૂરતા ભાવો મળશે. પણ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી અને ખાતર, બિયારણ, મજૂરી બધું મોંઘું થઈ ગયું હોય જેથી કપાસના ભાવો માત્ર રૂ. 1200થી 1450 સુધી થઈ જતા ખેડૂતો સાચવેલા કપાસને નાછૂટકે ઓછા તો ઓછા ભાવે પણ યાર્ડમાં વેચી રહ્યા છે. તો બીજી તરફ, APMCના સેક્રેટરી પણ કપાસના ભાવો ઘટ્યા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે.

જોકે, કપાસના ભાવો રૂ. 1471 સુધી માંડ માંડ બજારમાં મળે છે, ત્યારે અમરેલી જિલ્લામાં 12 હજાર મણ કપાસની આવક સામે ભાવો મળતા નથી, તો મણે 400 ઉપરાંતની ખોટ ખેડૂતોને થઈ રહી હોય, ત્યારે સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થાય, તો જ ખેડૂતો ઊંચા આવે તેમ APMCના સેક્રેટરી કહી રહ્યા છે, ત્યારે કૃષિ તજજ્ઞ ચેતન કુંભાણીએ પણ હજુ કપાસમાં 100 રૂપિયા ભાવ ઘટે તેવા એંધાણ વર્તવ્યા છે, તેવામાં કૃષિ તજજ્ઞે પણ ખેડૂતોને કપાસ સંગ્રહ કરીને રાખવા કરતા વેચી નાખવો વધુ હિતાવહ હોવાનું જણાવ્યુ હતું.

Next Story