/connect-gujarat/media/post_banners/343ca388035b0017d5195dd07afd061c72685f03df65d5ae08e0ff32a11216d4.jpg)
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસતા અવિરત વરસાદના પગલે કપાસ અને મગફળી સહિતના ખેતીપાકો પીળાશ પકડી રહ્યા છે. જેના કારણે જગતના તાતને હવે નિંદામણ કે, ખાતર નાખવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ સચરાચર વરસાદથી સોળ આની વર્ષ થવાની ઉજ્જવળ આશાઓ વચ્ચે વરસાદ વિરામ ન લેતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરમાં કપાસના છોડ દોઢ-દોઢ વેંતના થઈ ગયા છે, જ્યારે મગફળી પણ વેંત ઉપર જમીનમાંથી બહાર આવી ગઈ છે. છતાં વરસાદ હજુ પણ અવિરતપણે વરસતા ખેડૂતોને ખેતીપાકોમાં નિંદામણ કે, ખાતર નાખવા નથી મળતું. કારણ કે, હજુ માટી સાવ ઢીલી હોય, ત્યારે ખેતરમાં અંદર પગ મુકાઈ તેવી સ્થિતિ નથી. કપાસ અને મગફળીના પાકમાં આજુબાજુમાં નિંદામણની તાતી જરૂરીયાત વચ્ચે પણ હજુ અમુક ખેતર પાણીમાં તરબતર જોવા મળતા લીલો દુષ્કાળ સર્જાવાની ભિતી સેવાઇ રહી છે.