Connect Gujarat
ગુજરાત

અમરેલી : પાછોતરા વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકશાન, વળતર ચૂકવાય તેવી ખેડૂતોને આશ

X

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે પાછોતરા વરસાદે તારાજી સર્જી છે. ખાંભા પંથકના ખેડૂતો મુખ્યત્વે મગફળી પકવે છે, ત્યારે 20 હજાર હેક્ટરમાં કરેલ મગફળીનો વરસાદના કારણે દાટ વળી ગયો છે. જેના કારણે ખેડૂતોના મોમાં આવેલ કોળિયો જુટવાઈ ગયો છે.

ખાંભા પંથકમાં વરસાદી પાણીથી ખેતર અને વાડીઓમાં મગફળીના પાથરાઓ પાણીમાં તરબતર જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો હતો. પરંતુ પાછોતરા વરસાદ અને હવામાન વિભાગની આગાહી બાદ ખાંભા તેમજ નાનુડી અને ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોએ મગફળી કાઢીને પાથરા કરી રાખ્યા હતા. જોકે, અચાનક વરસેલા વરસાદથી ખેડૂતો પોતાના જીવની જેમ ઉછરેલા પાકને બચાવી શક્યા ન હતા. ખેતર અને વાડીમાં ઉભા પાક પાણીમાં તરબતર થઈ જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જુટવાઇ ગયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ખાંભા પંથકમાં અગાઉ 8 દિવસ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોની વાડી અને ખેતર પાણીમાં ગરકાવ થયા છે. ઉપરાંત ખેડૂતોને પશુઓ માટેનો ચારો પણ હાથમાં આવે તેમ નથી રહ્યો. ખેડૂતોએ સારા ભાવ અને સારા ઉત્પાદનની આશાએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યંથ હતું. પણ કુદરત ખેડૂતો પર કોપાયમાન થયો હોય તેમ ગતરોજ વરસેલા 2થી 3 ઈંચ વરસાદ બાદ જગતના તાતની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલ તો ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાય તેવી આશ લગાવી રહ્યા છે.

Next Story