અમરેલી:ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર ફરી વળ્યું પાણી,મગફળીના પાકમાં મુંડા રોગે મચાવ્યો હાહાકાર

અમરેલી જિલ્લાના ખેડૂતોની દયનીય હાલત, રોગના કારણે ખેડૂતો પાક કાઢી નાખવા મજબૂર

New Update
અમરેલી:ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર ફરી વળ્યું પાણી,મગફળીના પાકમાં મુંડા રોગે મચાવ્યો હાહાકાર

એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને સોળઆની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેમ બાબરા, બગસરા, ખાંભા અને સાવરકુંડલાના અમુક ગામડાઓમાં મગફળીમાં મુંડા નામનો રોગ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતોને છેલ્લી ઘડીએ જ રોવાનો વારો આવતો હોય તેમ અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર મગફળીનું મબલખ વાવેતર કર્યા બાદ મુંડા નામનો રોગ મગફળીમાં આવતા મગફળીના છોડ સાવ પીળા પડી જાય છે અને મુંડા નામની જીવાત મગફળીના ઉભા પાકનો દાટ વાળી દે છે ત્યારે બગસરા પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને કાઢવાની નોબત આવી ને ઉભી રહી છે અમુક ખેડૂતોએ મગફળીના પાકને મુંડા જીવાતથી કંટાળીને કાઢી નાખ્યો છે અને ચોમાસામાં બે પૈસા કમાવવાની આશાઓ પર આ રોગે પાણી ફેરવી દીધું છે.

મગફળીમાં જંતુનાશક દવાના છાંટકાવ બાદ પણ મુંડા નામની જીવાત જતી ન હોય અને મગફળીના છોડને તહસનહસ કરતા મુંડાથી પરેશાન ખેડૂતો ઉભા ખેતરોમાં ટ્રેકટર ચલાવતા નજરે પડી રહ્યા હોય ત્યારે બાબરાના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો પોતાની મગફળી કાઢી રહ્યા છે