PGVCL કચેરી ખાતે ખેડૂતોનું હલ્લાબોલ
અનિયમિત વીજ પુરવઠાથી પરેશાની
ઘાડલા ફીડર વારંવાર બંધ થતા ખેડૂતોમાં રોષ
વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
નિયમિત વીજ પુરવઠાની ખેડૂતોએ કરી માંગ
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયતની જરૂરિયાત ઉભી થઈ છે. આવા સમયે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘાડલા નીચે આવતા ગામડાઓમાં વીજળી સમયસર ન મળતાં ખેડૂતોએ PGVCL કચેરીમાં પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘાડલા નીચે આવતા ગામડાઓમાં વીજળી સમયસર ન મળતાં ખેડૂતો રોષે ભરાયા છે,અને PGVCL કચેરીમાં પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો.ખેડૂતોએ રોષ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.PGVCLની કચેરીમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી ખેડૂતોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો.
જાગૃત ખેડૂતોએ સાંસદ ભરત સુતરીયા અને PGVCLના અધિકારીઓને ફોન કરી રજૂઆતો કરી હતી. વરસાદ ખેંચાયો હોવાથી અને વીજળી સમયસર ન મળવાથી ધરતીપુત્રોએ નારાજગી વ્યક્ત કરી હતી. મોડી રાતે PGVCL વિભાગના અધિકારીએ યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. સાવરકુંડલા તાલુકાના જાબુડા, મઢડા, નવાગામ, ચીખલી, દોલતી, ભમર સહિત સ્થાનિક ગામડાના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.