સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે અને 40 ગામડાઓને આશીર્વાદ રૂપ ગણાતી હાઈસ્કૂલનું શૈક્ષણિક કાર્ય ખોરંભે ચડી ગયું છે.
આ છે અમરેલી જિલ્લાના ચલાળાની આર.કે.એમ.હાઈસ્કૂલ.. 1942માં આ હાઈસ્કૂલની સ્થાપના થઈ હતી અને 1960માં આ બિલ્ડિંગનું નિર્માણ થયું હતું.અગાઉ ધોરણ 8, 9, 10 અને હાયર સેકન્ડરીના 11 અને 12 સુધીના 10 ઉપરાંતના વર્ગો આ બિલ્ડિંગમાં ચાલુ હતા 30 થી 35 હજારની વસ્તી ધરાવતા ચલાળા શહેરમાં એક માત્ર આ આર.કે.એમ. હાઈસ્કૂલમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ કરતા હતા પરંતુ કર્મની કઠણાઈ કે સરકારી તંત્ર દ્વારા ગ્રાન્ટેડ હાઇસ્કુલને યોગ્ય પ્રોત્સાહન ન મળતા શાળાનું બિલ્ડીંગ જર્જરીત થવા માંડ્યું અને સમય વીતતા ધોરણ 8ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરતા ધોરણ 9 અને 10 ના વર્ગો ચાલુ રહ્યા જ્યારે પહેલા આજ બિલ્ડીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ૩૮ જેટલા શિક્ષકોનો સ્ટાફ ધરાવતી આ આર.કે.એમ.હાઈસ્કૂલમાં જર્જરિત બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું ભયના કારણે બંધ કરતા ગયા અને ધોરણ 11 અને 12 સરકાર દ્વારા બંધ કરી દેવાતા હાલ માત્ર ધોરણ 9 અને 10 બાજુના બિલ્ડિંગમાં સંસ્થા દ્વારા કાર્યરત રાખીને શૈક્ષણિક કાર્ય શરૂ છે જ્યારે 30 થી 35 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ ગણાતી આ આર.કે.એમ. હાઈસ્કૂલના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને અમરેલી, ધારી, સાવરકુંડલા જેવા સેન્ટર ઉપર અભ્યાસ કરવા જવાની મજબૂરી ઊભી થઈ હોય અને હાલનું જર્જરીત ગાયકવાડ વખતનું બિલ્ડીંગના ઓરડાઓ સ્લેબમાંથી જ ધરાશાહી થઈને નીચે પડ્યા હોય ત્યારે વાલીઓ દ્વારા આ ઉચ્ચતર માધ્યમિક ધરાવતી હાઈસ્કૂલને ફરી પ્રોત્સાહન આપે તો ચલાળા શહેર અને 30 થી 35 જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓની અભ્યાસની ઝંખનાઓ પરિપૂર્ણ થાય તેવું વિદ્યાર્થીઓના વાલી ઇચ્છી રહ્યા છે.
1960 ની આ બિલ્ડીંગ ને હાલ 6 દશકાઓ વીતી ગયા હોય અને પડવાની વાંકે આ બિલ્ડીંગ ઉભું હોવાથી વિદ્યાર્થીઓને નજીક નીકળતા પણ ડર અનુભવાતો હોય ત્યારે શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી ગીરકાંઠાની ચલાળાની હાઈસ્કૂલ અંગે સરકાર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતી હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે.