Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...

વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં મગફળી પલળી, લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વેપારીઓને આવ્યો વારો

અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...
X

અમરેલી જીલ્લામાં અચાનક વરસેલા વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં 1 હજાર મણ મગફળી પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થવાની સાથે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે APMCના સત્તાધીશોએ બોર્ડ લગાવીને મગફળી ખરીદી બંધ કર્યાની જાહેરાત કરી દેતા દિવાળી ટાંણે જ શ્રમિકો બેકાર બન્યા છે.

આ છે અમરેલી જિલ્લાનું સવારકુંડલા APMC સેન્ટર, જ્યાં દિવાળીના તહેવારોને લઈને ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીના મબલખ પાકો ઠલવાઇ રહ્યા છે, ત્યારે ગતરોજ વરસેલા ધોધમાર વરસાદથી APMCમાં વેપારીઓએ ખરીદેલ 1 હજાર મણ મગફળી પલળી જતા મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે વરસાદની વરાપ નીકળતા પલળી ગયેલી મગફળી તડકામાં સૂકવવામાં આવી રહી છે. ઉપરાંત APMCના પતરાના શેડમાં જાહેર બોર્ડ મારીને વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોને મગફળી ન લાવવાની જાહેર સૂચના કરવામાં આવી છે. જોકે, APMCમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો દિવાળી ટાંણે જ બેકાર બન્યા છે.

અમરેલીના ખાંભા ગીર, ધારી ગીર બાદ સાવરકુંડલામાં ખાબકેલા દોઢ ઇંચ વરસાદથી APMCના વેપારીઓની 3500 ગુણીઓ મગફળી પલળી ગઈ હતી. જેનો ડામ વેપારીઓ સાથે શ્રમિકોને પણ લાગ્યો છે. કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝીટ ધરાવતા સાવરકુંડલાના APMCમાં ખેડૂતો કે, વેપારીઓને પૂરતી સગવડતા ન હોય, ને ચારે તરફ વરસાદી પાણીથી કિચડનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓને મોટું નુકશાન થયું છે. APMCના ઇન્ચાર્જ સેક્રેટરીએ 3500 ગુણી એટલે કે, 1 હજાર મણ મગફળી પલળી ગઈ હોય, અને જ્યાં સુધી વરસાદી વાતાવરણ રહેશે ત્યાં સુધી મગફળીની ખરીદી બંધ રાખી હોવાનું જણાવ્યુ હતું.

Next Story