Connect Gujarat
ગુજરાત

અમરેલી : લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી, અવિરતપણે 30 દિવસથી થઈ રહી છે મેઘમહેર..!

સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ.

X

સતત એકધારા વરસાદથી અમરેલી જિલ્લાનો જગતનો તાત મુંજવણમાં મુકાઈ ગયા છે. અવિરતપણે 30 દિવસ ઉપરાંતથી પડતા થતી મેઘમહેરના કારણે કપાસ અને મગફળી સહિતના પાકોમાં નુકસાની જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.

આ છે અવિરત વરસાદના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોના ખેતીપાકોની સ્થિતિ… કપાસ અને મગફળીના પાકો હજુ પણ વરસાદી પાણીના પ્રવાહમાં તરબતર જોવા મળી રહ્યા છે. કારણ કે, છેલ્લા 30 દિવસથી અમરેલી જિલ્લામાં એક દિવસના વિરામ વગર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેતી પાકો પાણીમાં તરબોળ જોવા મળે છે. અમરેલી જિલ્લામાં કપાસનું 3 લાખ 10 હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ મગફળીનું 1 લાખ 25 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું હોય, ત્યારે શરૂઆતના વરસાદથી જગતના તાત ગેલમાં આવી ગયા હતા. જેમાં વર્ષ સોળ આની થાય તેવી આશાઓ ઉજ્જવળ બની હતી. પણ એકધારા વિરામ વગરના વરસાદથી હાલ કપાસ અને મગફળી સહિતના ખેતીપાકો પીળા પડી જવા અને લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે.

અમરેલી જિલ્લાના ખેડૂતો સામે કપાસના વાવેતર બાદ એક માસથી પડતા વરસાદથી ભીનો કાળ પડે તેવી સ્થિતિ છે, તો અન્ય ખેડૂતે 15 વીઘામાં કપાસ અને મગફળીનું વાવેતર કરીને 2200ના ભાવના બિયારણનું વાવેતર કરીને જે હાલ વરસાદથી કપાસના અને મગફળીના છોડ પીળા પડી ગયા છે, ત્યારે હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

એકધારો વરસાદ ખેતીપાક પર પડવાથી હાલ ખેતીપાકો વરાપ વગર નષ્ટ જવાની ભિતી વચ્ચે ખેતરો પણ પાણીમાં રસ્કાબોળ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે વરસાદ થંભશે તો જ ખેતીપાક સલામત રહેશે, નહિતર લીલો દુષ્કાળ પડવાની શક્યતાઓ સર્જાય હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે કુદરતના કહેરરૂપી મેઘમહેર બંધ થાય તો નિંદામણ અને ખાતર બિયારણ ખેતીપાકોને બચાવવા જગતના તાત અધીરા બન્યા છે.

Next Story