અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લામાં દીપડા સહિત વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લાં પાંચ દિવસમાં ત્રણ માસૂમ બાળકોનો માનવભક્ષી દીપડાએ અને સિંહણે શિકાર કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે 5 માસનો માસૂમ શિકાર કર્યો હતો, જ્યારે એજ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં દીપડાએ 3 વર્ષનો માસૂમનો જીન લીધો હતો. જ્યારે આજે રાત્રે રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રાજુલા તાલુકાના કાતર ગામમાં રહેણાંક મકાનમાં રાતે વીજળી ન હોવાને કારણે ઘરમાં ઘૂસી દીપડો 2 વર્ષીય માનવ ગોપાલભાઈ પરમાર નામના બાળકનું ગળું પકડી બાવળની કાટમાં લઇ ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં મોડી રાત્રે બાળકની હાલત વધુ બગડતાં એબ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પૂર્વે જ બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બે વર્ષના બાળકના મોતને લઇને માલધારી પરિવાર અને કાતર ગામમાં શોક સાથે ભયનો માહોલ છવાયો છે.