Connect Gujarat
ગુજરાત

અમરેલી : ડુંગરી ઈંગોરાળા ગામે બનેલી કેનાલમાં છેલ્લા 20 વર્ષથી પાણી નહીં આવતા બની શોભાના ગાઠીયા સમાન..!

ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે.

X

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ નજીક સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડુંગરી ઈંગોરાળા ગામ ખેતી, પશુપાલન અને ખેત મજૂરી પર નિર્ભર ગામ છે. ગામની નજીક આવેલા હાથસણી ગામના શેલ દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે 20 વર્ષ પહેલાં કેનાલો બનવવામાં આવી હતી. કેનાલો તો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરીત બની ગઈ છે. કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે. માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે, જ્યારે કેનાલોને જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ પર ઊભેલી જણાઈ રહી છે. ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરીત અને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થાય તે માટે સરકાર સમક્ષ અપીલ કરી રહ્યા છે.

જોકે, શેલ દેદુમલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઇના પાણી માટે કેનાલો બનીને 20 વર્ષના વહાણા વીતી ગયા પણ આજદિન સુધી કેનાલોમાં પાણી નહીં છોડતા ડુંગરી ઇંગોરાળા ગામના ખેડૂતો પરેશાન છે, તો ડુંગરી ઇંગોરાળા, દીટલા, કમી કેરાળા, સમઢિયાળા 7થી 8 ગામો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો 20 વર્ષથી માત્ર શોભાના ગાઠીયા સમાન સાબિત થઈ રહી છે, જ્યારે કેનાલોના મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. પણ આજદિન સુધી કેનાલોમાં પાણી ન છોડવાનો ખેડૂતોનો વસવસો હોય, ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની કરી માંગ અન્યથા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

તો બીજી તરફ, ખેડૂતોની આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે, પણ જે લાખોના ખર્ચે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે, ત્યારે કેનાલોમાં પાણી ન છોડવાના કારણે હાલ જર્જરીત થયેલી કેનાલો કાર્યરત કરવા ઇંગોરાળાના સરપંચે માંગ કરી છે. ધારી ગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવાયેલ કેનાલો શોભાના ગાઠિયા સમાન બની છે. તેવામાં શેલ દેદુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે. જોકે, કેનાલો હવે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે.

Next Story