સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડા બાદ એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં અનેક ગામડાઓમાં હજી સરકારી સહાય પહોંચી નથી. અનેક ગામોમાં હજી જનજીવન ખોરવાયેલું હોવાથી લોકો હાલાકી ભોગવી રહયાં છે. આવું જ એક ગામ એટલે ધારી પંથકનું ખીચા.
તાઉતે વાવાઝોડાના સવા મહિના બાદ પણ ધારી ગીર પંથકના ગામડાઓમાં હજુ તબાહી જોવા મળી રહી છે. વાવાઝોડાએ અનેક ગામડાઓમાં ખેતી તથા મકાનોનો દાટ વાળી દીધો છે. રાજય સરકારે અસરગ્રસ્તો માટે એક હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત તો કરી છે પણ અનેક ગામડાઓમાં લોકો હજી સહાયથી વંચિત રહી ગયાં હોવાની ફરિયાદો ઉઠી છે. જંગલ વિસ્તારને અડીને આવેલા ખીચા ગામમાં પણ તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી મકાનોના છાપરાઓ ઉડી ગયાં છે. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગામના લોકોની હાલત દયનીય બની છે. આઝાદીના વર્ષો બાદ પણ ખીચા ગામમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે.
ગામલોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, ચુંટણીના સમયે મત માંગવા દોડી આવતાં નેતાઓ અને રાજકીય પક્ષોના કાર્યકરો આફતના સમયે ગામમાં ડોકાયા સુધ્ધા નથી. સરકારે સહાય અને કેશડોલ્સની જાહેરાત કરી છે પણ અસરગ્રસ્તો સુધી સહાય પહોંચી છે કે નહિ તે જોવાની તસ્દી કોઇ લેતું નથી. વાવાઝોડા બાદથી અમારી હાલત કફોડી બની છે અને સરકાર અમને મદદ કરે તેવી અમારી માંગણી છે.