ખાનગી શાળાની શિક્ષિકાનો સેવાયજ્ઞ
વિચરતી જાતિના બાળકો માટે સેવાયજ્ઞ
4 વર્ષથી બાળકોને શિક્ષણનું પીરસે છે ભાથું
નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા બાળકો
પતરાના શેડમાં 70 બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકાએ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી છે. વિચરતી વિમુખતી જાતિના બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે માનવ જીંદગીને સફળ બનાવવાનો ભગીરથ પુરૂષાર્થ આરંભ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાના હાથસણી રોડ પર આવેલ વિચરતી વિમુખતી જાતિના ઝૂંપડાઓમાંથી ખભે દફતર લઈને આવતા નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે. ધોરણ 4થી લઈને ધોરણ 10 સુધી આ ગરીબોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
સાવરકુંડલાની ખાનગી શાળામાં BSC બી.એડની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને નિ:શુલ્ક ભણાવવા છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસિસ ચલાવી રહ્યા છે. જ્યારે ગરીબ બાળકો માટે પતરાનો શેડ ઊભો કરીને ધોરણ 4થી ધોરણ 10 સુધીના બાળકોને નિ:શુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અન્ય ત્રણ ચાર શિક્ષિકાઓ પણ જોડાઈને બાળકોને ભેગા કરીને ગણિત, હિન્દી, અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે.
સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘાદાટ ટ્યુશન ક્લાસિસને બદલે પતરાના શેડ નીચે ગરીબોના બાળકોને નિઃશુલ્ક ભણતરનું ભાથું પીરસવામાં આવે છે. ત્યારે બાળકો ખાનગી ક્લાસિસ કરતા પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસ ચલાવતા હોય છે,પણ સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસ કરી રહી છે.
શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે,ત્યારે આ ગરીબોના બાળકો ભણવામાં વધુ પાવરધા બને તે માટે ચાર વર્ષથી આ મહેનત કરીને 4 બાળકોમાંથી આજે 70 બાળકોની સંખ્યા ધોરણ 4થી ધોરણ 10 સુધીમાં નોંધાય છે.