ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે અમરેલી જીલ્લામાં એક શાળા એવી પણ છે જે હનુમાનજી મંદિરના આશ્રમમાં ચલાવવામાં છે
આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીરનું જામકા ગામ...8 હજારની વસ્તી ધરાવતા જામકા ગામમાં ધોરણ 9, 10, 11 અને 12 માટે હાઇસ્કુલ 2016માં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી અને 2017 થી ધોરણ 9થી ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો પણ કરમની કઠણાઇ એ છે કે આજે 7 વર્ષના વાણા વીતી ગયા હોવા છતાં પણ આજદિન સુધી હાઈસ્કૂલનું બિલ્ડિંગ બન્યું નથી.
ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના 2 ઓરડામાં બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે તો ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સામે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિર અને ઉદાસીન આશ્રમમાં ખુલ્લા શેડમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે
શિક્ષણમાં ગુજરાત અગ્રેસરની વાતો વચ્ચે આશ્રમમાં શાળા ચાલતી હોય ત્યારે વાલીઓ અને સરપંચ દ્વારા અનેક રજૂઆતો તંત્ર અને સરકારના બહેરા કાને અથડાતી ન હોવાની હૈયા વરાળ ઠાલવી હતી
સાત સાત વર્ષથી સરકારી તંત્ર હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ નથી કરી શકી અને જિલ્લા શિક્ષણાધિકારી કે.વી. મિયાણી દ્વારા પ્રાથમિક શાળામાં બેસાડીએ છીએને બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું કહી તંત્રનો લૂલો બચાવ કર્યો હતો