અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક વૃદ્ધ 1983થી કંતાન એટલે કે, કોથળાના કપડાં પહેરી રહ્યા છે. પોતાની યુવાનીમાં સતયુગ ન આવે ત્યાં સુધી કોથળાના વસ્ત્રો પહેરવાનો ગુરુ દ્વારા આદેશ મળતા લુવારા ગામના વૃદ્ધ કોથળાના વસ્ત્રો પહેરી રહ્યા છે. જોકે, સતયુગ આવ્યા બાદ જ તેઓ કોથળાના વસ્ત્રો ત્યાગી અન્ય વસ્ત્રો પહેરશે. જુઓ અમારો વિશેષ અહેવાલ...
આ ખેડૂત વૃદ્ધ છે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે રહેતા 71 વર્ષીય છગન બલદાણીયા... જેઓ, 1983થી સતયુગ લાવવા કંતાન એટલે કે, કોથળાના વસ્ત્રોનો ભેખ ધર્યો છે. તેઓ લગ્ન પ્રસંગે અને વાર-તહેવારે પણ કોથળાના વસ્ત્રો પહેરે છે. તેઓને કંતાનના કપડા પહેરેલા જોઇએ સૌ કોઇને આશ્ચર્ય થાય છે. છગન બલદાણીયાએ જણાવ્યું હતું કે, તેમના ગુરુદેવે કહ્યું હતું કે, કંતાનમાંથી બનાવેલા કપડા પહેરવાથી ભવિષ્યમાં સતયુગ આવશે. આ વાત તેમના ગુરૂએ તેમને 1983માં કરી હતી. બસ, આ દિવસથી તેમણે કંતાનમાંથી બનાવેલા કપડા પહેરવાની શરૂઆત કરી છે. લગભગ 40 વર્ષથી તેમણે કંતાનમાંથી બનાવેલા કપડા જ પહેર્યાં છે. એટલુ જ નહીં, અન્ય લોકોને પણ તેઓ સમજાવી રહ્યા છે કે, તેઓ પણ કંતાનમાંથી બનાવેલા કપડા પહેશે અને આમ કરવાથી ભવિષ્યમાં સતયુગ આવશે. આ સાથે જ તેઓ સાવરકુંડલા તેમજ આજુબાજુના વિસ્તારમાં જાય છે, ત્યારે તમામ લોકોને કંતાનના કાપડ વિશે સમજ આપે છે, અને કંતાના કપડા પહેરવા માટે પ્રચાર પણ કરે છે.
જોકે, કોથળામાંથી બનેલા કપડાં પહેરીને રોજ બરોજ નીકળતા આ વૃદ્ધને 5 સંતાનો છે, અને તે પણ તેમના પિતાના આ પહેરવેશથી સંતોષ છે. છગન બલદાણીયાના પત્નીએ જણાવ્યુ હતું કે, પહેલા લોકોને નવાઈ લાગતી હતી. પરંતુ ગુરુના આદેશને સ્વીકારીને મારા પતિ કોથળાના વસ્ત્રો પહેરે છે, જે વસ્ત્રો માટે ગોકુળ-મથુરાથી ટાંકો લાવે છે, અને ખાસ દરજી પાસે જ સિવડાવે છે. એટલું જ નહીં, કંતાનના કપડાંને ધોવામાં વધુ કષ્ટ પડતો હોવાનું પણ તેમના પત્નીએ જણાવ્યુ હતું. જોકે, આજના આધુનિક યુગમાં પણ છગનભા બલદાણીયા સતયુગની છેલ્લા 40 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વર્ષોથી સતયુગની વાટ જોતા ધર્મપ્રેમીની આસ્થાઓ વહેલી તકે પુરી થાય તો ગુરુદેવની વાણી અને ધર્મ પ્રત્યેની શ્રધા વધુ મજબૂત થશે તેવું કંતાનધારી વૃદ્ધના પૌત્રએ જણાવ્યુ હતું.