Connect Gujarat
ગુજરાત

અમરેલી : વાઘણિયા પ્રાથમિક શાળાના શિક્ષકે બનાવી અનોખી શાળા, જુઓ કેવી રીતે આપી રહ્યા છે વિદ્યાર્થીઓને શિક્ષણ..!

વાઘણિયા પ્રાથમિક શાળાના શિક્ષકનો અનોખો પ્રયાસ, હરતી-ફરતી શાળાના નવતર પ્રયોગ વડે શેરી શિક્ષણ.

X

કોરોના મહામારીના કારણે જ્યારે શાળા બંધ છે. જેના કારણે ઘણા વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાની વાઘણિયા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા હરતી-ફરતી અનોખી શાળા બનાવવામાં આવી છે. આ શાળા મારફતે ગામેગામ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

હાલ કોરોના મહામારીમાં જ્યારે શાળા બંધ છે, ત્યારે વિધાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને વિધાર્થીઓ ઉત્સાહથી શૈક્ષણિક કાર્યમાં જોડાય તેવા આશયથી અમરેલી જિલ્લામાં હરતી-ફરતી શાળા મારફતે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષક મનસુખલાલ મેવાડાએ પોતાની કારમાં તમામ પ્રકારના શૈક્ષણિક સાધનો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં શેરી શિક્ષણ શરૂ કર્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહથી શિક્ષણ કાર્યમાં જોડાયા છે. તેમના આ કાર્યમાં શાળાના શિક્ષક વિપુલ કોટડિયા પણ સહયોગ આપી રહ્યા છે.

હરતી-ફરતી શાળા દ્વારા શેરી શિક્ષણના આ નવતર પ્રયોગને સી.આર.સી. હેતલ જોષી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ બિરદાવવામાં આવ્યો છે. તો સાથે જ બી.આર.સી. ભાવેશ જાદવ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સરપંચ બાલા પડસારિયા તેમજ ગામના અગ્રણી આગેવાનો અને શાળાના આચાર્ય દ્વારા મનસુખલાલ મેવાડાના આ શૈક્ષણિક કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યો છે.

Next Story