સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં બુધવારથી પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે. ધારી ગીર પંથકની કેસર કેરીઓ આંબેથી ખરી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
અમરેલી જીલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે આંબાના બગીચાઓ તહેસ નહેસ થઈ ગયા હતા. મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ચાલુ વર્ષે પણ પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે. ધારી તાલુકાના ઝર, મોરઝર અને દલખાણીયા સહિતના ગામોમાં આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.
અમરેલી જીલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના ઉત્પાદન સમયે જ કોઈને કોઈ મુશ્કેલી આવી પડતી હોવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે. 2 દિવસના વરસાદી વાતાવરણથી ઘણી ખરી કેરીઓ આંબેથી ખરી પડી છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન સરેરાશ 20થી 25 ટકા જેટલું જ થયું છે. જેના કારણે કેસર કેરીના ભાવો પણ ખૂબ ઉંચા રહે તેવી શક્યતા છે, ત્યારે આવા સમયે પલટાયેલું વાતાવરણ મીઠી કેસર કેરીનો સ્વાદ ખાટો કરે તો નવાઈ નહીં તેવું પણ ખેડૂતોએ જણાવ્યુ હતું.