ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકાઓ કચ્છ નજીક પાકિસ્તાન દેશની સરહદ પર અંકીત થઈ રહ્યા છે.
કચ્છ નજીક જમીનના પેટાળમાં સતત થઈ રહેલી ગતિવિધિના પ્રતાપે સિસમોગ્રાફી કચેરી સ્થિત ભૂકંપન આંચકા નોંધાઈ રહ્યાનું જાહેર થતું રહે છે. આ જ પ્રકારે રવિવાર વહેલી પરોઢે 3.58 મિનિટે સામે પાકિસ્તાન સરહદે 3.4ની તિવ્રતાનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો, જેની અનુભૂતિ સરહદી વિસ્તારોમાં થઈ હતી.
આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના લખપતથી 53 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાનમાં નોંધાયું હતું. આ પહેલા ગત તા. 17 સપ્ટેમ્બરના ખાવડાથી 47 કિલોમીટર દૂર 4ની તિવ્રતાનો આંચકો ભારત-પાકિસ્તાન સરહદ પર નોંધાયો હતો. વર્ષ 2001ના મહા ભૂકંપ બાદ કચ્છમાં જાહેર થતાં આંચકાઓથી કોઈ પ્રકારની નુકશાની નોંધાય નથી. પરંતુ ભૂકંપના આંચકાઓની ખબરથી લોકમાનસમાં ક્ષણિક ચિંતાનો માહોલ સર્જાયો હતો.