દેશમાં વધી રહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે રાજયવ્યાપી આંદોલનના મંડાણ કર્યા છે ત્યારે આણંદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક કોંગી કાર્યકરની કારે ભારે આર્કષણ જમાવ્યું હતું.
દેશના અન્ય શહેરોની જેમ હવે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવે 100 રૂપિયાને પાર કરી ગયાં છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવોએ લોકોનું બજેટ ખોરવી નાંખ્યું છે. મોંઘવારીના વિરોધમાં આણંદ ખાતે કોંગ્રેસના ઉપક્રમે જન ચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયાં હતાં. કોંગી આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે ગયાં હતાં.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલો એક કાર્યકર અનોખી કાર લઇને આવ્યો હતો. તેણે સાયકલની આજુબાજુ પુઠ્ઠાથી કારની ડીઝાઇન બનાવી હતી. આ કાર લોકોમાં પણ આર્કષણનું કેન્દ્ર બની હતી.