આણંદના થામણા ગામે રક્ષાબંધન પૂર્વે જ બહેને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ભાઈ અને બહેન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં સાસરિયાના ત્રાસ આપતા હોવાની વાતનો ઉલ્લેખ થઈ રહયો છે.
આણંદના ઉમરેઠના થામણા ગામ ખાતે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા બહેને તેના ભાઈને ફોન કરીને સાસરિયાઓ ત્રાસ આપી રહ્યાની આપવીતી કરી હતી. મૃતક મહિલા સાસરિયાઓના ત્રાસથી એટલી તો કંટાળી ગઈ હતી કે ભાઈ તેના ઘરે પહોંચે તે પહેલા જ બહેને આપઘાત કરી લીધો હતો. આ મામલે ઉમરેઠ પોલીસે મૃતક મહિલાના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ રીતે રક્ષા બંધન ના તહેવાર પહેલા જ એક ભાઈએ તેની બહેન ગુમાવી છે.
પંચમહાલના અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન 2012માં થામણા ગામે રહેતા મુકેશ ગોહેલ સાથે થયા હતા. પ્રવીણા અને મુકેશને સંતાનમાં બે દીકરા છે. પરિવારજનોના આક્ષેપ અનુસાર લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાને માર પણ મારવામાં આવતો હતો. જોકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી રહી હતી જો કે તે હદે કંટાળી ગઈ હતી કે તેણે અંતિમવાદી પગલું ભર્યું હતું. ભાઈ અને બહેન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.