આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નામણ ગામના વાડીયાપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના 60થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાને કડકડતી ઠંડીમાં અભ્યાસ કરવા માટે મજબુર થવું પડ્યું છે, ત્યારે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સાથે તપાસના આદેશ આપ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્યને પુનઃ રાબેતા મુજબ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે, ત્યારે બોરસદ તાલુકાના નામણ ગામના વાડીયાપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ શાળાના 3 ઓરડા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાને ભર ઠંડીમાં અભ્યાસ માટે બેસવા મજબુર થવું પડ્યું છે.
સમગ્ર મામલાનો વિડીયો વાઇરલ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સાથે જ તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે વાડીયાપુરા પ્રાથમિક શાળાનું તંત્ર નિઃસહાય હોવાથી શાળાના ઓરડા બાંધવાનું ટેન્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતા શાળાના ઓરડા બાંધવાનું કામ હાલ ખોરંભે ચઢ્યું છે, ત્યારે હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા પહાર પાડી શાળાના ઓરડા બાંધવાનું કામ અન્ય કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.