ગૌચરમાં દબાણથી પશુપાલકોમાં રોષ
ચરિયાણની જમીન ન રહેતા મુશ્કેલી
ગૌચર માટે પશુપાલકોમાં રોષ
પશુઓ સાથે પશુપાલકોએ કરી રજુઆત
પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સીમરણ ગામમાં ગૌચરની જગ્યામાં દબાણ કરવામાં આવતા પશુપાલકોની પરેશાની વધી છે.જેના કારણે પોતાના પશુઓ સાથે માલધારીઓ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા,અને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં 1800 વીઘા ગૌચર જમીન આવેલી છે,પણ 1100 વીઘા ગૌચરની જમીન પર દબાણ થઈ ગયું હોય ત્યારે બાકી રહેલા 700 વીઘામાંથી 100 વીઘા જમીન જ ખુલ્લી છે. પરંતુ આ જમીનમાં પણ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે. અને પશુઓ તેમાં ચરિયાણ ન કરી શકતા હોવાથી 100 જેટલા પશુપાલકો અને માલધારીઓ સ્થાનિકોને સાથે લઈને ગૌચર દબાણ દૂર કરવાની માંગ સાથે સીમરણ ગામેથી પશુઓ સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
ત્યારે મામલતદાર કચેરીના દરવાજા બંધ કરીને પશુઓને અંદર પ્રવેશવા દીધા ન હતા.જોકે માલધારીઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવીને પશુઓના ગૌચર ખુલ્લા કરવાની માંગ કરી હતી.