ચાલુ સિઝનમાં ખેડૂતોએ કર્યું બટાકાનું મબલખ વાવેતર
બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી
દર 20 કિલોએ ખેડૂતોને રૂ. 100 નુકશાન વેઠવાનો વારો
ખેતીમાં લાખો રૂપિયાનું નુકશાન જવાની ખેડૂતોને શક્યતા
તંત્ર સમક્ષ ખેડૂતોને આર્થિક સહાય ચૂકવાય તેવી માંગ ઉઠી
અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. પરંતુ બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.
અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. સામાન્ય રીતે બટાકાની ખેતી 120 દિવસની હોય છે. હાલ બટાકા તૈયાર થઈ ગયા છે, લગભગ 2 લાખ હેક્ટર કરતા વધારે જમીનમાં બટાકા નું વાવેતર થયું છે. દર વર્ષ કરતા બટાકાનું વધારે ઉત્પાદન મળવાની ખેડૂતોને આશા છે, ત્યારે બટાકાનો ભાવ ગત વર્ષે પ્રતિ મણ 275થી 300 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે 170 રૂપિયા થયો છે, ત્યારે દર 20 કિલોએ ખેડૂતોને 100 રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના કુલ વાવેતરમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન જવાની શક્યતા રહેલી છે. એક વિધે બટાકાની ખેતીમાં 45થી 50 હજાર જેટલો ખર્ચ થાય છે. ખાતર અને પોટાશ પણ ખૂબ મોંઘા થયા છે. ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળ્યા હોવાથી ચાલુ વર્ષે વધુ વાવેતર કર્યું, જે ખેડૂતો બટાકાની ખેતી અગાઉ નહોતા કરતા એવા ખેડૂતોએ પણ આ વર્ષે સારો ભાવ મળવાની આશાએ બટાકાની ખેતી કરી છે, ત્યારે આવા સમયે બટાકાના ભાવ ગગડી જવાથી ખેડૂતો માટે ‘જાયે તો જાયે કહા’ જેવી સ્થિતિ સર્જાય છે.