Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસામાં ગેરકાયદેસર કૂટણખાના સામે વિરોધ

અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્પા અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ મથકમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે.

અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ સ્થાનિકો દ્વારા અનેક વાર પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, સ્પા સંચાલકો અને ગેસ્ટ હાઉસ માલિકો સામે ફરિયાદ કરવા જાય છે ત્યારે ધાકધમકીઓ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો ઉઠવા પામ્યા છે. તાજેતરમાં મોડાસા નગરના હજીરા વિસ્તારના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા. ગેસ્ટહાઉસ સામે આવેલ વિશ્વકર્મા મંદિર પરિસરના ગેટ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાને લઈને ગેસ્ટહાઉસના સંચાલક દ્વારા રહીશોને ધમકી મળતા 50 જેટલા રહીશો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને ગેસ્ટહાઉસ બંધ કરાવવાના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો. અસામાજિક તત્વોની ધમકીથી ડર પેદા થતા રહીશોને પોલીસ શરણે આવવાની ફરજ પડી હતી. મોડાસા ટાઉન પોલીસ અધિકારીને રજુઆત કરતા અધિકારીએ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.

Next Story