-
દેશભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ
-
કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે
-
રાહુલ ગાંધી દ્વારા મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ
-
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના 1200 બૂથ કાર્યકરોને સંબોધન કર્યું
-
ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાશે
દેશભરમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, તારે આજરોજ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતું, તેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, અને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3થી 5 દિવસ સુધી રહેવું જોઈએ. આ દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશે, અને જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે. આ પછી, આ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.