-
મોડાસામાં સ્પોર્ટ્સ સંકુલ બન્યું ધૂળિયું
-
3.50 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે સંકુલ
-
લોકાર્પણ બાદ સ્પોર્ટસ સંકુલનો કોઈ ઉપયોગ ન થયો
-
5 વર્ષથી ધૂળ ખાય છે સંકુલ
-
સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા સામે વ્યક્ત કરી નારાજગી
અરવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસા નગરમાં આવેલા સર્વોદય વિસ્તારનાં બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ 2019માં રૂપિયા 3 કરોડ 50 લાખના માતબર ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા 5 વર્ષથી આ સંકુલ બિન ઉપયોગી બની રહેતા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળ ભેગો થયો હોય તેવી લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્વોદય નગર તેમજ આસપાસના વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબોલ, લોન્ગ ટેનીસ, ટેબલ ટેનિસ સહિતની આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ જળવાઈ રહે તે માટે રૂપિયા 3 કરોડ 50 લાખ કરતા વધુ રકમનો ખર્ચ કરી મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું.
જેનું લોકાર્પણ વર્ષ 2019માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું.પરંતુ આ સંકુલ છેલ્લા ઘણા સમયથી નકામું બની રહ્યું છે, આ સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે.અને જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે,બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિન ઉપયોગી બની રહ્યો છે, આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલના તબક્કે બિન ઉપયોગી બની રહ્યું છે.
મોડાસાનાં સર્વોદય નગર વિસ્તારમાં વર્ષ 2019માં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની ગેમ્સ માટે કોચ અને પ્રશિક્ષકો માટે પાલિકા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાએ સ્પોર્ટ્સ સંકુલ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા પણ કરી હતી,પરંતુ ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા સંકુલ ચાલુ કરવા યોગ્ય રસ ન દાખવતા સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું.
આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સંકુલ શરૂ કરવાનો નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોડાસા નગરપાલિકા મક્કમ છે.અને તે અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,જો ટેન્ડર લેવામાં આવશે નહીં તો આગામી સમયમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતને સ્પોર્ટ્સ સંકુલ સોંપવામાં આવશેની માહિતી નગરપાલિકા ચીફ ઓફિસરે આપી હતી.