ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની જાહેરાત કરાય
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ
ધારાસભ્યના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ
ફટાકડા ફોડી, એકમેકને મોઢું મીઠું કરવી ઉજવણી
સમગ્ર અમરેલીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી
ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવતા પરિવારજનો સહિત તેઓના સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.
ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચાર મળતા જ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ખુશીની ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના કાર્યાલય નજીક ફટાકડા ફોડીને કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સમર્થકો ઉત્સાહભેર એકઠા થયા હતા.
કૌશિક વેકરીયાના વતન દેવરાજીયા ગામમાં પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પત્ની સગુણાબેન દેવરાજીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે, ત્યારે પરિવારજનો અને ગ્રામજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરીયાના મંત્રી પદે શપથ બાદ તેઓના માતૃશ્રીએ ઈશ્વરનો આભાર માન્યો હતો. વધુમાં અમરેલી જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકરીયા આગળ રહેશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત મોદી સરકારનો આભાર માન્યો હતો.