દિવસેને દિવસે વિવાદમાં આવતી જુનાગઢ મહાનગરપાલિકા
ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ થયાની જાગૃત નાગરિકને શંકા
ડસ્ટબિન ખરીદી મામલે જુનાગઢ મનપામાં ભારે ઉહાપો મચ્યો
સમગ્ર મામલે જાગૃત નાગરિક અને વિપક્ષ દ્વારા તપાસની માંગ
ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડની વાતને પ્રોજેક્ટ ઓફિસરે નકારી
જુનાગઢ મહાનગરપાલિકા દિવસેને દિવસે વિવાદમાં આવી રહી છે, ત્યારે ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ થયાની શંકા જાગૃત નાગરિકે વ્યક્ત કરતા ઉહાપો મચ્યો છે, જ્યારે આ મામલે વિપક્ષ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારની વાતો દિવસેને દિવસે સામે આવી રહી છે. મનપાના ઈલેક્ટ્રીક વિભાગમાં કૌભાંડની ચર્ચા બાદ હવે ડસ્ટબિન કૌભાંડ થયાની ચર્ચા અને ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે 10-10 લીટરની 2 કચરા ટોપલી આપવામાં આવે છે.
જે કચરા ટોપલી ખરીદીમાં અધિકારી દ્વારા કૌભાંડ આચાર્યની શંકા જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે, બજારમાં રૂ. 145ની મળતી ડસ્ટબિન મહાનગરપાલિકા દ્વારા રૂ. 170ના ભાવે 2 લાખ જેટલી ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી છે, જેને લઇ પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં ડસ્ટબિન કૌભાંડને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યું છે, અને આક્ષેપો કર્યા છે કે, ઓછું ટેન્ડર મુકવામાં આવે છે, જેથી કોઈ સામાન્ય એજન્સી તેમાં લાભ ન લઈ શકે, અને મોટી એજન્સી સાથે નાણાકીય વ્યવહાર કરી બીજા કોઈ સાથે હરીફાઈ ન થાય જેને લઇ મોટી એજન્સીને કામ આપવામાં આવે છે.
તેમજ અધિકારીઓ એજન્સીને સાથે રાખી ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ અક્ષેપ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાની વધુ એક ફરિયાદ ઉઠતા ઊહાપો મચ્યો છે, જ્યારે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ હાથ ધરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, જુનાગઢ મહાનગરપાલિકામાં ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ થયાની વાતને પ્રોજેક્ટ ઓફિસર હાજા ચુડાસમાએ નકારી છે, અને આરએનબીના નિયમો તેમજ ટેન્ડર મેન્યુઅલ અને ખરીદ નીતિની જોગવાઈને ધ્યાને લઈ દરેક ખરીદી કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ટેન્ડર સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાંથી કોઈપણ ઓથોરાઇઝડ ડીલર મેન્યુફેક્ચરર કે, કોઈપણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ઓનલાઇન ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં 3 સ્ટાન્ડર્ડ એજન્સીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. જેમાં નીલ કમલ કંપનીના ડસ્ટબિનના ભાવ સૌથી નીચા જણાયા હતા, અને તમામ નિયમો અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ડસ્ટબિનની ખરીદી નિષ્પક્ષ રીતે કરવામાં આવી હોવાનું દાવો કરવામાં આવ્યો છે.