દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા
ગેરકાયદે માછીમારી રોકવા બાબતે થઈ બોલાચાલી
જૂની અદાવતમાં પાણીમાં ધક્કો મારી હત્યા કરાય
હત્યા કરનાર 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
કોર્ટ દ્વારા ચારેયના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની જૂની અદાવતમાં પાણીમાં ધક્કો મારી હત્યા કરનાર 4 આરોપીઓને અમીરગઢ પોલીસે ઝડપી લેતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જામપુરામાં રહેતા મુસ્તુફા માંકણોજીયા દાંતીવાડા ડેમમાં માછીમારીના કોન્ટ્રાક્ટર પુત્ર સાથે ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી 4થી 5 લોકોએ અચાનક હુમલો કરી પિતા-પુત્રને ગંભીર ઈજા પહોચાડી હતી. જોકે, હુમલા બાદ પુત્ર ગુમ થઈ જતા પિતાએ જાણ કરતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બનાવની જાણ થતાં જ SDRFની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી, ત્યારે 24 કલાક સુધી ચાલી રહેલી શોધખોળ બાદ ડેમના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો.
પુત્રની હત્યા નિપજાવનાર ચારેય આરોપીઓ વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુન્હો દાખલ થતાં પોલીસે નરેશ ચૌહાણ, યુવરાજ ચૌહાણ અમીરગઢના કરઝા અને દાંતીવાડાના રામનગરના કરણ વાઘેલા તેમજ સગીર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાંતીવાડામાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર મુસ્તુફા માંકણોજીયા અને તેમના પુત્ર દ્વારા ગેરકાયદેસર માછીમારી રોકવા બાબતે અગાઉ થયેલી બોલાચાલી અંગેની જૂની અદાવતમાં પુત્ર મકસુદની હત્યા આ ચારેય આરોપીઓ દ્વારા કરાઈ હોવાનો ચોકવનારો ખુલાસો થયો છે.