Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે યોજાશે સ્પર્ધા...

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

X

બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કેમ્પમાં સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર દ્વારા એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવનાર છે.

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ અલગ અલગ સેવા કેમ્પ સેવા માટે આવે છે, ત્યારે આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવિન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અંબાજીના તમામ વિસ્તારને 5 અલગ અલગ ઝોનમાં વહેચવામાં આવ્યા છે, અને તેના સુપરવીઝન માટે 5 ટીમો પણ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે લગભગ 11 જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે, અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પ રહેશે તેને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે અંબાજી મેળો પ્લાસ્ટીકમુક્ત થાય તે માટે અપીલ કરતા કલેક્ટરે કહ્યું કે, સેવા કેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો વધુ હિતાવહ છે. જોકે, પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક કે, GPCBની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો લોકોને ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

Next Story