બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં લાગપ્રસંગે એક લગ્ન મંડપમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના થરાદ શહેરની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્નપ્રસંગે બાંધવામાં આવેલા લગ્ન મંડપમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં મંડપ સહિતનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, લગ્ન મંડપમાં હાજર લોકોએ પીવાના પાણીની વોટર બેગો વડે આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ સમગ્ર આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકયું નથી, પરંતુ મંડપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.