Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : માલણ ગામે રહેતી પરણિતા ચાર માસથી ગુમ, બે સંતાનોની હાલત દયનીય

સંતાનોને જયારે માતાની હુંફની જરૂર હોય છે અને ત્યારે જ માતા તેમને તરછોડી જતી રહે ત્યારે તેમની હાલતની કલ્પના પણ મુશ્કેલ છે

X

સંતાનોને જયારે માતાની હુંફની જરૂર હોય છે અને ત્યારે જ માતા તેમને તરછોડી જતી રહે ત્યારે તેમની હાલતની કલ્પના પણ મુશ્કેલ છે. બનાસકાંઠાના માલણ ગામે ચાર મહિનાથી માતા વિના રહેતાં બે બાળકોની દયનીય સ્થિતિ તમને પણ રડાવી દેશે.

બનાસકાંઠાના માલણ ગામમાં રહેતી બે સંતાનોની માતા અચાનક જ ઘરેથી ગુમ થઈ જતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા ઈલેશ ઠાકોરની પત્ની ચાર માસ અગાઉ ગુમ થઈ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ અપાઈ છે પરંતુ પોલીસ પણ હજુ સુધી કોઈ જ કડી મેળવી શકી નથી. ચાર માસથી માતા ઘરે પરત ન ફરતા તેમનો ૫ વર્ષનો પુત્ર અને ૭ વર્ષની દિકરી માતા વિના ચોંધાર આંસુએ રડી રહ્યા છે. પિતા નાના દિકરા પિયુષને રમાડીને સતત માતાની યાદો ભૂલાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે દિકરી મહેકને તૈયાર કરવાથી લઈને શાળામાં મૂકવા અને લેવા જવાનો ખ્યાલ રાખી રહ્યા છે. જ્યારે પુત્રવધુ અચાનક ઘરેથી ગુમ થતા બન્ને બાળકોના દાદા અને દાદીની આંખમાંથી અશ્રુધારા વહી રહી છે.

જે બાળકો માતાની ગોદમાં બાળપણનો પ્રેમ મેળવી ધીરે-ધીરે જીવનની રાહ પર પગલાં માંડી રહ્યા હતા તેઓ આજે માતાથી વિખૂટા થતાં માની મમતા વિના ઝૂરી રહ્યા છે અને કહી રહ્યાં છે કે મમ્મી તું ક્યાં ચાલી ગઈ....? ચાર મહિનાનો સમય વીતવા છતાં પણ બે સંતાનોની માતા ઘરે ના આવતા અને પોલીસ પણ તેને શોધવામાં નિષ્ફળ જતાં હવે પરિવારે જિલ્લા પોલીસવડાને રજુઆત કરી છે. પોલીસવડાને રજુઆત બાદ હવે પોલીસની તપાસ વેગવંતી બનશે તેવો આશાવાદ ગરીબ પરિવાર સેવી રહયો છે.

Next Story