રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસા ખાતેથી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું
ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બન્યું : મુખ્યમંત્રી
12 લાખ લાભાર્થીઓને 4500 કરોડના લાભ-સહાયનું વિતરણ
મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા જિલ્લાના ડિસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 318 કરોડથી વધુના લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009-10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11 હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃખંલામાં સમગ્રતયા 1 લાખ 734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.
આ 14માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂ. 4568 કરોડના લાભ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, જન ધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તીકરણ થયુ છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત PMJAY, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો–ગરીબોના સામાજીક સશક્તીકરણ માટે ઉપયોગી બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્રનારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનની પ્રેરણાથી સ્વચ્છતા-સફાઈ અભિયાનમાં પણ જન ભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજીંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી, બાબુ દેસાઈ, સર્વ ધારાસભ્ય પ્રવીણ માળી, અનિકેત ઠાકર, માવજી દેસાઈ, કેશાજી ચૌહાણ, સચિવ મોના ખાંધાર, સહમીના હુસૈન, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કિર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.