માવતાને શર્મસાર કરતી ઘટનાથી ચકચાર
પ્રેમ પ્રકરણમાં યુવકના પરિવારને તાલિબાની સજા
યુવકના માતા,બહેન,ભાઈને થાંભલા સાથે બાંધી માર માર્યો
પ્રેમી યુગલ ફરાર થઇ જતા યુવકના પરિવારનું સરઘસ કાઢ્યું
આદિવાસી સમાજમાં રોષ,પોલીસે શરૂ કરી તપાસ
સુરત જિલ્લાના બારડોલીના મસાડમાં પ્રેમી યુગલ ફરાર થતા યુવકના માતા-બહેન અને ભાઈનું ગામમાં સરઘસ કાઢી થાંભલે બાંધી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,માનવતાને શર્મસાર કરતી ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના બારડોલીના મસાડ ગામનો એક યુવક અન્ય સમાજની યુવતીને લઈને પાંચેક વાગ્યાના અરસામાં નાસી ગયો હતો. આ બાબતની દાઝ રાખી યુવતીના પરિવારજનો અને સમાજના 6 થી 7 લોકો હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા. યુવકના ભાઈ જેનિશના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ કોઈ પણ પૂછપરછ કર્યા વગર ઘરમાં ઘૂસી તેને, તેની માતા અને બહેનને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ત્રણેયનું સરઘસ કાઢીને મારતા-મારતા ગામના ચોરે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ઝાડ તથા થાંભલા સાથે દોરડાથી બાંધી જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા.
આ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.ભોગ બનનાર પરિવારે બારડોલી પોલીસ મથકે પહોંચી આરોપીઓ સામે કડક સજાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,પરંતુ જાહેરમાં આ રીતે કાયદો હાથમાં લેનારા તત્વો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.