/connect-gujarat/media/post_banners/87ed244ad1f1e479b4cdbba164c795caa1777318846a6871c477ade93b50055d.jpg)
ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના આઈ.ડી.એસ કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે જે જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી રીટા ગઢવીએ તેઓની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન તેઓને બાલવાડીના લાભર્થીઓને અપાતો ટી.એચ.આરના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો હતો.
જે અંગે અધિકારીએ તાલુકા પોલીસને જાણ કરી હતી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પરથી 1234 નંગ ટી.એચ.આરના પેકેટનો જથ્થો મળી કુલ 64 હજારથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટી.એચ.આરના પેકેટનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતાં સતા બેચર ભરવાડ,રામજી ભરવાડ,ભૂપત ભરવાડ અને લાખા ભરવાડ સહિત અન્ય બે ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં આંગણ વાડી કર્મીની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.