ભરૂચ જિલ્લાના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વધી છે, તો બીજી તરફ આગના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને પગેલ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.