Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણનો વિવાદ, પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ગોલ્ડનબ્રિજની બાજુમાં બની રહયો છે નવો બ્રિજ, 6 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે બ્રિજની કામગીરી

X

ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજનું નિર્માણકાર્ય પુર્ણ થયું છે ત્યારે હવે તેના લોકાર્પણને લઇ વિવાદ ઉભો થયો છે. બુધવારના રોજ યુવક કોંગ્રેસના કાર્યકરો બ્રિજના નિરિક્ષણ માટે પહોંચ્યાં હતાં જયાં તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.....

ભરૂચની નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રિજ પર વાહનોનું ભારણ વધી જતાં છ વર્ષ પહેલાં નવા નર્મદા મૈયા બ્રિજનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. છ વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજની કામગીરી પુર્ણ થઇ છે પણ સુરવાડી ફાટક પાસે હજી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ગોલ્ડનબ્રિજના સમાંતર નવા બ્રિજના લોકાર્પણ બાબતે હવે વિવાદ થયો છે.

નવો બ્રિજ બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ગોલ્ડનબ્રિજ પર વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

નર્મદા મૈયા બ્રિજને 10 દિવસમાં ખુલ્લો મુકવામાં નહિ આવે તો તેને ખુલ્લો મુકી દેવાની ચીમકી યુવક કોંગ્રેસે આપી છે. બીજી તરફ આજે બુધવારના રોજ યુવા કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ સહિતના આગેવાનો નર્મદા બ્રિજની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે પહોંચ્યાં હતાં જયાં પોલીસ કર્મચારીઓને તેમને રોકતા ઘર્ષણ થયું હતું.

નર્મદા નદી પર બની રહેલાં નર્મદા મૈયા બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. બ્રિજની ડીઝાઇનમાં ઘણી વખત ફેરફાર પણ કરવામાં આવ્યો છે. આ બ્રિજનો ખર્ચ 400 કરોડ રૂપિયા અંદાજવામાં આવી રહયો છે. બ્રિજ બાબતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અંકલેશ્વરથી ભરૂચ તરફ આવવાની લેનમાં લેન્ડીંગ સ્પાનની કામગીરી ચાલી રહી છે. અત્યારે તેની થોડી કામગીરી બાકી છે અને તેના માટે એક અઠવાડીયા સુધી કસક ગરનાળાને પણ બંધ રાખવું પડે તેવી સ્થિતિ છે પણ એક વાત ચોકકસ છે કે મહિનાના અંત સુધીમાં બ્રિજને કાર્યાન્વિત કરી દેવાશે.

Next Story