Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મેઘરાજાની હાથતાળીથી ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો, પાક નિષ્ફળ જવાની ભીતિ

વેસદડાના ખેડૂતોને સતાવતી પાક નિષ્ફળ જવાની ભીતિ, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ કર્યું હતું વાવેતર.

X

હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં પણ વરસાદ નહીં વરસતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે ભરૂચ તાલુકાના વેસદડા ગામના ખેડૂતોને વરસાદ નહીં થાય તો પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.

ભરૂચ જીલ્લામાં જુન માસના પ્રારંભની સાથે આકાશમાં ઘેરા વાદળો દેખાતા ગમે ત્યારે મેઘરાજા વાજતેગાજતે પધરામણી કરશે તેવું લાગી રહ્યું હતું, ત્યારે થોડા દિવસો અગાઉ વાવણી લાયક વરસાદ વરસતા વેસદડા ગામના ખેડૂતોએ હોંશે હોંશે ખેતર ખેડી પાકનું વાવેતર કર્યું હતું. જોકે, ત્યારબાદ મેઘરાજા રાબેતા મુજબ જ વરસસે તેવું પણ જણાઇ રહ્યું હતું. પરંતુ કમનસીબે મેઘરાજા હાથતાળી આપતા એટલે કે, જરૂરીયાતના સમયે ગાયબ થઇ જતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલની પરિસ્થિતિ એવી છે કે, આકાશમાં ઘેરા વાદળો તો નજરે પડે છે, પણ વરસાદ વરસતો જ નથી. ખેડૂતોએ ખેતરમાં કરેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતી જણાઇ રહી છે.

એક તરફ અમુક કલાક જ વીજળી આપવામાં આવતી હોવાથી સિંચાઈમાં પણ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના નહેર-નાળા પણ સુકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોને એક માત્ર મેઘરાજા પર જ આશ હતી. જેથી વરસાદ નહીં વરસતા હવે ખેડૂતો નારાજ થયા હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આગામી ટુંક સમયમાં વરસાદ નહીં થાય તો નવેસરથી ખેતરમાં વાવેતર કરવું પડી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.

Next Story