ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લઇ તેમના આરોગ્યની તપાસ કરાવી હતી.
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની ભરૂચ શાખા તથા સેવન એકસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજીત કેમ્પના ઉદઘાટન સમારંભમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસ ડીરેકટર સુષ્મા ભટ્ટ, જેસીઆઇના જગદીશ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો અને જેસીઆઇના સભ્યો હાજર રહયાં હતાં. કેમ્પમાં જનરલ ચેકઅપ, જનરલ સર્જન, ફીઝીશીયન અને સ્ત્રીરોગના નિષ્ણાંત તબીબોએ દર્દીઓને તપાસી જરૂરી નિદાન કર્યું હતું. આ ઉપરાંત બ્લડ પ્રેશર તપાસ, રેન્ડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન સહિતના ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવ્યાં હતાં.