આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણીના ભાગરૂપે ગત તા. 6 એપ્રિલના રોજ ભાજપ દ્વારા કર્ણાવતીથી નીકળેલી વિશાળ બાઇક રેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની આગેવાની હેઠળ નીકળેલી રેલી વિવિધ જીલ્લાઓમાંથી પસાર થઈ તા. 25 એપ્રિલના રોજ સુરત મહાનગર ખાતે સમાપન થશે. આઝાદી મેળવવા બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરના આંગણાંની માટી લઈને નીકળેલી બાઇક રેલી આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના ભવ્ય બલિદાનનો સંદેશ જનતા સુધી પહોંચાડશે, ત્યારે આજરોજ બાઈક રેલી 17મા દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી. નર્મદા જિલ્લાના કેવડીયાથી રાજપીપળા થઈને બાઇક રેલીએ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ કરતા તવડી, ઉમલ્લા, રાજપારડી અને ઝઘડીયા સહિતના તાલુકામાં ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ સંધ્યા સમયે બાઇક રેલી ભરૂચ શહેર ખાતે આવી પહોચી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ભાજપના આગેવાનો, યુવા મોરચા તેમજ મહિલા મોરચા દ્વારા બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.