/connect-gujarat/media/post_banners/4ccd5abd72d53dc572219af38973cd885a0f96c03ca7b444827a51aca7c4d538.jpg)
પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવો વચ્ચે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા સાથે ગેસ સિલિન્ડર અને દુધના પણ વધેલા ભાવો સામે વિરોધ નોંધાવવા મંગળવારે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે પાંચબત્તી ખાતે સગડી ઉપર પાણીથી ચા બનાવી હતી.
મહામારી કોરોનામાં જ્યાં ઠપ થયેલું જનજીવન અને લોકોના વેપાર ધંધા હજી થાળે પડ્યા નથી ત્યાં ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવો વધારી ગરીબ અને મધ્યમવર્ગને મરણતોલ માર આપી રહી હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે કર્યો હતો.ભાજપ સરકારના રાજમાં વધતી મોંઘવારીનો વિરોધ નોંધાવવા મંગળવારે કોંગી મહિલાઓએ સગડી ઉપર પાણીથી ચા બનાવી ગેસ અને દુધના પણ વધેલા ભાવો સામે ભાજપને આડે હાથે લઈ સુત્રોચ્ચારો કર્યા હતા.ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતાં જતાં ભાવને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, ભાવ તો વધી રહ્યા છે પરંતુ તેની સામે લોકોની આવક અને રોજગારી એટલી જ ઝડપે વધી રહી નથી, જેને કારણે ભુખા રહેવાનો અને ગરીબ વર્ગના લોકોને રળવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ સરકારની હાય હાય બોલાવીને પાંચબત્તી સર્કલ ખાતે ચક્કાજામ સર્જી દીધો હતો. પાંચબત્તી સર્કલ પર ચક્કાજામ કરીને મહિલાઓએ ચૂલા પર ઉકાળો બનાવીને વિરોધ પ્રદર્શન જતાવ્યો હતો.વધતાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના બોટલના ભાવ સામે હવે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આવો તે વળી કેવો વિકાસ, લોકોને રસ્તા પર લાવી દીધા અને રડતાં કરી દીધા. અગાઉ ગરીબ વર્ગની મહિલાઓને સબસિડી અર્થે રાંધણ ગેસ આપવામાં આવ્યા હતા તેની સામે હવે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.દૂધની ડેરીઓમાં દૂધના સપ્લાય અને ટ્રાન્સપોટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને કારણે 2 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ઘર ખર્ચ ચલાવવું ઘણું મુશ્કેલ બનતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ આક્રોશમાં આવી હતી, સ્થળ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.