સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવવા ડેમના ફરી 9 દરવાજા 0.8 મીટર ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રીવર બેડ પાવર હાઉસમાંથી અને ડેમના 9 ગેટ ખોલીને 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સવારે 10:30 કલાકે નર્મદા નદીની જળ સપાટી 15.32 ફૂટે પહોંચી હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટની છે, ત્યારે હાલ તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.