ભરૂચ: મનરેગા કૌભાંડમાં બન્ને એજન્સીના સંચાલક સહિત વધુ 3 આરોપીની ધરપકડ, ચૈતર વસાવાએ CBI તપાસની કરી માંગ

મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 3 આરોપીની ધરપકડ

  • બન્ને એજન્સીના સંચાલકો પણ ઝડપાયા

  • અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ

  • ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની કરી માંગ

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં ધરપકડનો દૌર શરૂ થયો છે. ગતરોજ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ બાદ આજરોજ વધુ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી છે.
જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને એજન્સીઓ કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા સાથે જ સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું. હીરા જોટવાએ આ મામલામાં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી કુલ છ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ તરફ મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા હતા અને લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હીરા જોટવાની કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.