ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાનેSNID-સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજય સહિત ભરૂચ જિલ્લામાં આગામી તા. ૮થી ૧૦ ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાનેSNID –સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાય હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથીSNID એજન્ડાની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. જેમાં જિલ્લામાં યોજાનાર ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના ૦થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૨,૪૫,૬૧૦ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ૪૦૩૨ આરોગ્ય કર્મીઓ દ્વારા ૧૦૦૮ જેટલા બુથ આ બાળકોને પોલીયોના બે ટીપા પિવડાવવામાં આવશે, જ્યાં ૨૧૮ જેટલી મોબાઈલ ટ્રાન્ઝીટ ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવશે.
જોકે, આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે, કોઈ બાળકો તેનાથી વંચિત ન રહે તથા કોઈક કારણોસર માઈગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય, અને આ અભિયાન સાથે જોડાયેલા કર્મીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે એટલે કે, તા. ૮મી ડિસેમ્બર, રવિવારે બુથ પર પોલિયોના ટીંપા પિવડાવવામાં આવશે.
બીજા અને ત્રીજા દિવસે ઘર-ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ ટીમ, મોબાઈલ ટીમ (હાઈરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ, ઝુંપડપટ્ટીઓ, જંગલો અને બાધકામ ચાલતા હોય તેવા) વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ટીમો દ્વારા પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સમગ્ર બેઠક દરમ્યાન પ્રાંત અધિકારી, ADHO, તબીબો સહિત તાલુકા અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.