/connect-gujarat/media/media_files/RUOaSCp0a3WgJ77Y1HGf.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયાખાતેની શ્રી ગણેશ સુગરખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર બેઠકમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, ડિરેકટર મેહુલભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ, હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશ પટેલ તેમજ અધિકારીગણ અને મોટી સંખ્યામાં ગ્રામપ્રતિનિધિઓ સહિત ખેડૂત સભાસદો અને આગેવાનો હાજર રહ્યા હતા. ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ પાછલા બોર્ડના વહીવટ અને હાલની સંસ્થાની પરિસ્થિતિનો ચિતાર ગ્રામ પ્રતિનિધિ અને સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો.
તેઓએ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પાછલા બોર્ડની ગેરવહીવટની નીતિની અસર આજે પણ સુગર ફેક્ટરી ભોગવી રહી છે. કરોડો રૂપિયા ફસાઈ જવાથી વર્કિંગ કેપિટલની ઉણપની સીધી અસર સંસ્થા પર પડી છે, તેવા સંજોગોમાં સંસ્થામાં હાલમાં જે વહીવટી ખર્ચ આવે છે, તેમાં ઘટાડો કરવા ઉપરાંત કરકસરથી વહીવટ કરીને આવનારા સમયમાં પોષણક્ષમ શેરડીના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને મળે એવી કસ્ટોડિયન કમિટીની ભાવના અને પ્રયત્ન છે. સાથે આવનારા સમયમાં ખેડૂતોની જીવાદોરી સમાન આ સંસ્થાને બચાવવા માટે ખેડૂત સભાસદોને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. વાઇસ ચેરમેનશ્રી પુષ્પેન્દ્રસિંહ સુણવાએ જણાવ્યું હતું કે, કેટલાક વિઘ્ન સંતોષીઓ સંસ્થા અને કસ્ટોડિયન કમિટીને બદનામ કરવાના હેતુથી સભાસદોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે, તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, જે કોઈ સભાસદોને સંસ્થાના વહીવટ અંગે જરા પણ અસંતોષ જણાય તો સંસ્થાના ચોપડા તેઓ માટે ખુલ્લા છે.