પલસાણાની યુવતીને સોશિયલ મીડિયા થકી થઈ હતી મિત્રતા
વડોદરાના યુવક સાથે યુવતીએ વાતચીત કરી દીધી હતી બંધ
રોષે ભરાયેલ યુવક ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યો પલસાણા
યુવકે ગામમાં ધમાલ મચાવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી
માંડ માંડ સમજાવી પલસાણા પોલીસે કરી છે યુવકની ધરપકડ
સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિત થઇ રચાયેલા સંબંધના કરુણ અંજામના ઘણાં કિસ્સાઓ આપ સૌએ જોયા અને સાંભળ્યા હશે, ત્યારે આજ સોશિયલ મીડિયાના કારણે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ જેવી ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી. હાથમાં તલવાર અને પથ્થર લઈને પોલીસ સામે થયેલા યુવકના આ દ્રશ્ય સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારસડી ગામના છે. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના એક યુવક સાથે મિત્રતા ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થતાં બન્ને એક બીજાની નજીક આવ્યા હતા. જોકે, થોડા સમય બાદ યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થયો હતો. અને એક તરફી મિત્રતામાં અંધ બનેલ બેબાકળો પાગલની જેમ વડોદરાથી સુરત-પલસાણાના બરાસડી ગામ ખાતે યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને ધસી આવ્યો હતો.
જોકે, ખુલ્લી તલવાર સાથે ગામમાં ધસી આવેલા યુવકને જોઇને સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવની જાણ તુરત જ પલસાણા પોલીસને કરવામાં આવી હતી. ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને જમાદારને તલવાર મારી દીધી હતી. જેને લઇને હાજર જમાદાર લોહી લુહાણ થઈ જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના પીઆઈ વી.એલ.ગાગીયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા, અને યુવકને શાંતિથી સમજવાના પ્રયાસો કર્યા હતા. જોકે, યુવક ન સમજતા આખરે પીઆઈએ રિવોલ્વર કાઢી હતી, છતાં યુવક ટસનો મસ ન થયો હતો, અને પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો.
એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઇ વી.એલ.ગાગિયા તેમજ હાજર પોલીસ સ્ટાફે પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો, અને યુવકના હાથમાં રહેલ પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા, ત્યારે હાજર લોકોએ એક તરફી મિત્રતામાં પાગલ થઇ ગયેલ યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ થઈ કરી લીધી હતી. હાલ યુવક વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે દોઢ કલાકના ડ્રામા બાદ યુવક પોલીસ પકડમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લોક સતર્કતા અને પોલીસની સૂઝબૂઝના કારણે શહેરમાં વધુ એક ગ્રીષ્મા કાંડ જેવી ઘટના બનતા રહી ગઇ હતી.