ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠકના સદસ્યનું 2 વર્ષ પહેલાં નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જે બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે નામાંકન ભર્યું હતું.
ભરૂચ જીલ્લા પંચાયતની ખાલી પડેલી આછોદ બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતીભાઈ મોતીભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી, ત્યારે આજરોજ ઉમેદવાર જયંતી વસાવાએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે આમોદ તાલુકાના સોનામા ગામના રાજભાઈ વિનોદભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી ડમી ફોર્મ ભર્યું હતું.
તેઓની સાથે ભરૂચ જિલ્લા લોકસભા પ્રમુખ યાકુબભાઈ ગુરુજી, મહામંત્રી સફિકભાઈ યુસુફભાઈ નારસી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલા અચાનક મૃત્યું થતાં આ બેઠક ખાલી પડી હતી. જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જીલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના આમોદ તાલુકાના રોધ ગામના જયંતીભાઈ મોતીભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડો. સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી નામાંકન સુપ્રત કર્યું હતું.