/connect-gujarat/media/media_files/2025/02/21/7aJZUKpuKIiXICsrA9QG.jpg)
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો હતો.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી.જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની આરોપીઓ સુધી પહોંચવાની મહેનત આખરે રંગ લાવી હતી,અને આઇસર ટેમ્પો ચાલક મોહંમદ શમીઉદ્દીન મોહંમદ અકિલુદ્દીન શેખને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઈદ્રિશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો. જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું,તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલ ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડ માંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઇસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રીના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા.
અંદાજે 5000 લીટરનો રાસાયણિક કેમિકલ યુક્ત પાણી જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેના આધારે પોલીસે ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા.કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી,જેમાં કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જે રિમાન્ડની મુદત આજરોજ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ ભેગા કરવાનો આદેશ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.