ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર જૂના છાપરા પાટિયા નજીક ખાડી વિસ્તારમાં 2 મહાકાય મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
હાલ 2 દિવસ વરસેલા ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. તેવામાં નર્મદા નદીના વહેણમાં કેટલાક મગરો પણ તણાઇ આવ્યા હોવાની માહિતી વન વિભાગને મળી હતી, ત્યારે અંકલેશ્વર અને ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે માર્ગ પર જૂના છાપરા પાટિયા નજીક ખાડી વિસ્તારમાં 2 મહાકાય મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
ખાડીના પાણીમાં મગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા,જ્યાંલોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં મગરના વિડિયો કેદ કર્યાહતા.તો બીજી તરફ, આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધીના વિસ્તારમાં 3થી વધુ મગર હોવાનો સામાજિક વનીકરણ વિભાગને અંદાજ છે,ત્યારે વન વિભાગ દ્વારા ખાડી વિસ્તારમાં પાંજરું ગોઠવી મગરોને કેદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.